જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે વહેલીસવારથી જ બચુનગર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળના ડિમોલીશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પાડતોડ કામગીરી પૂર્ણ થયા બાદ આશરે બે કરોડની કિંમતની જમીન ખુલ્લી થઇ જશે.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઘર કરી ગયા છે. આ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના નેજા હેઠળ છેલ્લા થોડા સમયથી પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન રંગમતિ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નડતરરૂપ ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણ તથા ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ બચુનગર વિસ્તારમાં આવેલા જમાત ખાનાની ધાર્મિક જગ્યા કે જે મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ખડકી દેવામાં આવી હતી. આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એસ્ટેટ શાખાની ટીમ, ફાયરબ્રિગેડના જવાનો સહિતના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આઠ વાગ્યાથી પાડતોડ શરૂ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ જમાત ખાનાનું પાડતોડ એક હિટાચી મશીન, ત્રણ જેસીબી અને બે ટ્રેકટરની મદદથી ધાર્મિક સ્થળવાળી જગ્યાનું બે માળ સહિતના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડીએનસીના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની જમીનમાં ખડકાયેલ ગેરકાયદેસર જમાત ખાનાનું બાંધકામ તોડી પાડવાની કામગીરી મહ્દઅંશે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઇ જવાની શક્યતાઓ છે.


