જામનગર શહેરમાં આવેલી રેલવે વિભાગની જમીનમાં ગેરકાયદેસર દબાણો ખડકી દેનાર ઝૂંપડપટ્ટી અને બાવરીવાસ વિસ્તારમાં આજે વહેલીસવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડીમોલીશન કામગીરી શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા દિગ્જામ સર્કલ નજીક આવેલા રેલવે ટ્રેક પાસે, રેલવેની જમીનમાં ઝૂંપડપટ્ટી અને બાવરીવાસ દ્વારા ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા હતાં. આ 151 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે આજે વહેલી સવારથી જ રેલવે વિભાગ અને રેલવે પોલીસ તથા જામનગર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, મીત રૂદલાલના નેજા હેઠળ 300 થી વધારે પોલીસકર્મીઓ અને 20 થી વધુ પોલીસ અધિકારીઓ સાથેના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી રેલવે ટ્રેક ડબલ કરવાના કામ પૂર્ણ થયા બાદ આ ટ્રેક પર ટ્રેનોની અવરજવર અને ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા સંજોગોમાં રેલવે ટ્રેક નજીક રહેણાંક અને અન્ય પ્રકારના દબાણો મુસાફરો તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે જોખમરૂપ બની શકે છે.
તે માટે રેલવે વિભાગ દ્વારા આગોતરા સલામતીના પગલાં તરીકે રેલવે ટ્રેકથી આશરે 20 ફુટ સુધીના વિસ્તારમાં ખડકાયેલી ઝૂંપડપટ્ટી અને બાવરીવાસમાં ખડકાયેલા 151 મકાનો પાડતોડ કરવા માટે પોલીસ અને રેલવે દ્વારા સંયુક્ત ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત મુજબ આશરે 700 મીટર જેટલા વિસ્તારને આવરી લઇ ડીમોલીશન કામગીરી હાથ ધરવા માટે 10 જેટલા જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીમોલીશન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની ઉપસ્થિતિ સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જો કે, આ ડીમોલીશન કામગીરી શાંતિપૂર્ણ થઇ રહી હોવાનું ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા જણાવાયું હતું.


