દેશમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજામાં વધારો થયો છે. દેશની ટ્રાયલ કોર્ટે ગત વર્ષ 2022માં 165 કેદીઓને ફાંસીની સજા સંભળાવી હતી જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ છે. આ પહેલા વર્ષ 2021માં 146 કેદીઓને મોતની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજા પૈકી એક તૃતીયાંશ સજા જાતીય ગુનાઓ સાથે સંબંધિત હતી.
વર્ષ 2015થી 2022 સુધીમાં કોર્ટે આપેલા નિર્ણયોમાં મૃત્યુદંડની સજામાં 40%નો વધારો થયો છે. તેની પાછળનું કારણ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવતી મોટી સંખ્યામાં મૃત્યુદંડ અને અપીલ કોર્ટ દ્વારા આવા કેસોના નિકાલના ઓછા દરને ગણાવવામાં આવી રહ્યો છે. એક આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2022માં 2008ના સીરિયલ બ્લાસ્ટ કેસમાં અમદાવાદની એક અદાલતે 38 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. વર્ષ 2016માં મૃત્યુદંડની સજાના 153 કેસમાં આ સજા 2022માં 165 પર પહોંચી ગઈ છે.