ખંભાળિયામાં મોડી રાત્રીના સમયે એક હોટલ પાસે કેટલાક શખ્સો દ્વારા કેક કાપી અને માનાવાતી બર્થ ડે પાર્ટીમાં સરકારી જાહેરનામાનો ભંગ કરતા આઠ સામે ગુનો નોંધાયો છે. જેમાં પાંચ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ પર આવેલી એક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે ઉભા રહીને કેટલાક શખ્સો ફટાકડા ફોડી બર્થ ડે પાર્ટી મનાવી રહ્યા હોવાનું પોલીસ સ્ટાફના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસ કાફલો આ સ્થળે ધસી ગયો હતો.
આ સ્થળે કોરોના મહામારીને અવગણીને માસ્ક પહેર્યા વગર કેકની છોળો ઉડાડી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરતા યુવાનો પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં પોલીસે કરણ વિનોદભાઈ ઘેડિયા (ઉ.વ. 35), આશિષ જીતેન્દ્રભાઈ જોષી (ઉ.વ. 21) અને અર્જુન કરસનભાઈ આસાણી (ઉ.વ. 19) નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ દરોડા દરમિયાન રાજેશ રામાભાઇ ખૂટી, કિશન ઉમેશભાઈ ગોકાણી, જતીન ગોસાઇ, કૌશિક નકુમ, અને પ્રવીણ ગાગીયા નામના પાંચ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી, જાહેરનામા ભંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી, અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.