કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી મહિલાને તેણીના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા સંતાન નહીં થવાની બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપી, દોરાધાગા અને તાંત્રિક વિદ્યા કરી અપાતા ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતકના સાસરિયાઓ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં વસવાટ કરતી સાધનાબેન ગુલાબભાઇ બગડા (ઉ.વ.36) નામની મહિલાને તેણીના પતિ ગુલાબભાઇ, સસરા હીરાભાઇ, સાસુ દુધીબેન સહિતના સાસરિયાઓ દ્વારા સાધનાબેનને સંતાન ન થવાની બાબતે અવારનવાર શારીરિક-માનસિક દુ:ખત્રાસ અપાતો હતો. તેમજ મેણાટોણા અને દોરાધાગા તથા તાંત્રિકવિધિ કરી માર મારી ત્રાસ ગુજારતા હતા. તેમજ પતિ દ્વારા પત્ની ઉપર શંકા-કુશંકા રાખી, ઝઘડો કરી ત્રાસ આપતો હતો. પતિ સહિતના સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને ગત્ તા. 18ના રાત્રિના સમયે સાધનાબહેનએ તેના ઘરે એસિડ પી આપઘાત કર્યો હતો.
મહિલા દ્વારા સાસરિયાઓના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના બનાવમાં મૃતક સાધનાબેનના બહેન મનિષાબેન પ્રફૂલ્લભાઇ સાગઠિયા દ્વારા મૃતકના પતિ અને સાસુ-સસરા વિરૂઘ્ધ કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં મરી જવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


