જામનગર – દ્વારકા તરફ આગળ વધતા હજારો પદયાત્રીઓ માટે માર્ગમાં ઉભા થયેલા સેવા કેમ્પોમાં માત્ર નાસ્તો, ભોજન અને મેડિકલ જેવી મૂળભૂત સુવિધાઓ જ નહીં, પરંતુ રાત્રિના સમયે ભક્તિમય ઉત્સવનો પણ ખાસ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. અનેક કેમ્પોમાં સાંજ પડતાં જ વાતાવરણ નવરાત્રી જેવું રંગીન બની જાય છે, જ્યાં ભક્તિ અને આનંદનો અનોખો સંગમ જોવા મળે છે.
આ સેવા કેમ્પોમાં દિવસ દરમિયાન યાત્રાળુઓને તાજું નાસ્તો, ગરમ ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને આરોગ્ય તપાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લાંબી પદયાત્રાથી થાકેલા યાત્રાળુઓ માટે આરામની વ્યવસ્થા પણ સુચારૂ રીતે ગોઠવવામાં આવી છે. મેડિકલ ટીમો તત્પર રહી જરૂરિયાતમંદોને તાત્કાલિક સારવાર આપે છે, જેથી યાત્રા નિરાંતે આગળ વધી શકે.
View this post on Instagram
ખાસ કરીને આરાધનાધામ ખાતે પોલીસ વિભાગ દ્વારા સંચાલિત સેવા કેમ્પમાં રાત્રે ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા લોકગાયક રાજ ગઢવી એ રાસ-ગરબાની રમઝટ જગાવી, જેમાં પદયાત્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલા યાત્રાળુઓએ તાલે તાલ મિલાવીને રાસ રમ્યો અને ભક્તિગીતોની ધૂન પર ઝૂમી ઉઠ્યા.
ચાલીને આવતા પદયાત્રીઓ માટે આવા રાસ-ગરબા કાર્યક્રમો થાક દૂર કરવાનો શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યા છે. દિવસભરની યાત્રા પછી જ્યારે ભક્તો સંગીત અને ભક્તિના સૂર સાથે જોડાય છે, ત્યારે તેમનો શારીરિક થાક ભૂલીને તેઓ આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ બની જાય છે.


