ભાણવડમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા શખ્સે તેની પત્નીને લોખંડના પાવડાનો ઘા ઝિંકી હત્યા નિપજાવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી અદાલતમાં રજૂ કરતાં જેલહવાલે કરવાનો હુકમ કરાયો હતો.
આ બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના 32 વર્ષના શખ્સે તા. 9ના રોજ બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરી ગળું દબાવી દેતા તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતરએ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.


