ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે વેસ્ટ બંગાળના એક શખ્સને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે એક શખ્સ દ્વારા સરકાર માન્ય ડિગ્રી વગર દર્દીઓના નિદાન તથા સારવાર કરવામાં આવતી હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતાં આ અંગે સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા વચલા બારા ગામે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળેથી વેસ્ટ બંગાલ રાજ્યના નાદિયા જિલ્લાના ઈટખુલાપારા ખાતે રહેતા રામચંદ્ર દશરથ બિશ્વાસ ગામના 50 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગે પોલીસની તપાસમાં ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ન હોવા છતાં પણ તેના દ્વારા પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી અને દવાખાનું કાર્યરત કરી દીધું હતું. આ દવાખાનામાં તેના દ્વારા વિવિધ પ્રકારની એલોપથી ટેબલેટ, બોટલ, સિરીંઝ, સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, વિગેરે પ્રકારના મેડિકલના સાધનો રાખી અને પોતે માન્ય ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.
આથી પોલીસે માનવ જિંદગીને જોખમમાં મૂકી અને લોકોની શારીરિક અસલામતી ભર્યું આ કૃત્ય કરવા બદલ રૂપિયા 43,705 નો મેડિકલનો સામાન તેમજ રૂપિયા 1,220 રોકડા મળી કુલ રૂપિયા 44,925 નો મુદામાલ કબજે કરી, આરોપી રામચંદ્ર દશરથ બિશ્વાસની અટકાયત કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી પોલીસે રામચંદ્ર બિશ્વાસ સામે આઈ.પી.સી. કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.