જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન તલાસી લેતાં રૂા.16,500ની કિંમતની 33 બોટલ દારૂ મળી આવતાં એક શખ્સની ધરપકડ કરી હતી. જામનગર શહેરમાં નવાગામ ઘેડ ખડખડનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રૂા.2500ની કિંમતની પાંચ બોટલ અને 3000ની કિંમતના 30 બિયરના ટીન અને 5500ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટી શેરી નં.6માં રહેતાં મહિલપાલસિંહ ઉર્ફે મયુરસિંહ ભોજુભા જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે રેઇડ દરમ્યાન તલાસી લેતાં મકાનમાંથી રૂા.16,500ની કિંમતની 32 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં ક્રિપાલસિંહ જટુભા રાઠોડની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ક્રિપાલસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો જામનગર શહેરમાં નવાગામ ઘેડ ખડખડનગરમાં રહેતાં વિશાલ ઉર્ફે વીડી રાયમલ ઉર્ફે રાજુ લોલાડીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાસી લેતાં મકાનમાંથી રૂા.2500ની કિંમતની પાંચ બોટલ ઇંગ્લીશ દારૂ અને રૂા.3000ની કિંમતની 30 નંગ બિયરના ટીન મળી કુલ રૂા.5500 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી વિશાળની ધરપકડ કરી હતી.