પેગાસસ સ્પાયવેર દ્વારા દિગ્ગજ હસ્તિઓના કથિત જાસૂસી કાંડમાં કેન્દ્ર સરકારનું નામ સામે આવ્યા બાદ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહત્વનો નિર્ણય લીધો છે. હકિકતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કેસની તપાસ માટે એક આયોગની રચના કરવાની જાહેરાત કરી છે. સોમવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજોલી મંત્રીમંડળની વિશેષ બેઠકમાં પેનલ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના સદસ્ય રિટાયર્ડ જજ હશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાત્તા ખાતે એક સંમેલનમાં જણાવ્યું કે મને લાગતું હતું કે ફોન હેક કરવામાં આવ્યા તેની તપાસ માટે કેન્દ્ર કોઇ તપાસ આયોગની રચના કરશે અથવા કોર્ટના મોનિટરીંગમાં તપાસનો આદેશ આપવામાં આવશે. પરંતુ સરકાર કશું જ નથી કરી રહી. આ કારણે અમે આ કેસની તપાસ માટે તપાસ આયોગ રચવાનો નિર્ણય લીધો છે. બે સદસ્ય ધરાવતા આયોગની અધ્યક્ષતા કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ જયોતિર્મય ભટ્ટાચાર્ય સંભાળશે. ઉચ્ચતમ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધિશ મદન ભીમરાવ લોકુર તેના બીજા સદસ્ય છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે, પેગાસસ દ્વારા જે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેમાં પશ્ર્ચિમ બંગાળાન લોકોના નામ પણ સામે આવ્યા છે કેન્દ્ર બધાની જાસૂસી કરવાનો પ્રયત્ન કરી રહયું છે. આયોગ ગેરકાયદેસર રીતે ફોન હેક કરવાના કેસની સંપૂર્ણ જાણકારી મેળવશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પેગાસસ સ્યાયવેરનો ઉપયોગ નેતાઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારોની કથિત જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશ અને દુનિયાભરમાં તેને લઇ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.