જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સાથે સંકળાયેલા મહીસાગર જિલ્લાના કોયડમ ગામ સ્થિત ધન્વંતરી આયુર્વેદ કોલેજનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ટ્રસ્ટી દ્વારા લેવામાં આવેલી કરોડોની લોનની ભરપાઈ ન થતા કોલેજનું બિલ્ડિંગ સીલ થઈ જતા વિદ્યાર્થીઓનું ભણતર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે અને સમગ્ર પરિસ્થિતિમાં કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ સર્જાઈ છે.
મહીસાગર જિલ્લાના કોયડમમાં આવેલી ધન્વંતરી આયુર્વેદ કોલેજ છેલ્લા છ મહિનાથી શૈક્ષણિક રીતે બંધ છે. ટ્રસ્ટી દ્વારા લીધેલી લોનની રકમ સમયસર પરત ન કરાતા સંબંધિત સત્તાધિકારીઓએ કોલેજનું બિલ્ડિંગ સીલ કરી દીધું છે. આ પગલાંના કારણે વિદ્યાર્થીઓનું ભણતર અચાનક અટકી ગયું છે અને તેમના ભવિષ્ય પર અનિશ્ચિતતાનો ઘેરો છાયો છે.
કોલેજ બંધ રહેતા છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓએ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શક્યા નથી. અભ્યાસ વિના બેઠેલા આ ભાવિ તબીબો ભારે માનસિક તાણ અને ચિંતા અનુભવી રહ્યા છે. લાખો રૂપિયાની ફી ભર્યા બાદ પણ તેઓને શિક્ષણથી વંચિત રહેવું પડે છે, જેના કારણે વાલીઓમાં પણ ભારે અસંતોષ ફેલાયો છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ છેલ્લા છ મહિનાથી સ્થાનિક કક્ષાએ તેમજ ગાંધીનગર સુધી અનેકવાર રજુઆત કરી છે, છતાં અત્યાર સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ સામે આવ્યો નથી. આજે ફરી આશરે 30થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં હાજર રહી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.
View this post on Instagram
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓનું એક વર્ષ બરબાદ થવાની કગાર પર છે. તેમણે માંગ કરી છે કે અથવા તો તેમને અન્ય માન્યતા પ્રાપ્ત આયુર્વેદિક કોલેજોમાં સ્થળાંતર કરવામાં આવે અથવા તો તાત્કાલિક કોઈ વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી તેઓનો અભ્યાસ ફરી શરૂ થઈ શકે.
વિદ્યાર્થીઓએ આ પણ જણાવ્યું કે ટ્રસ્ટી અને સંચાલનના બેદરકાર વલણનો ભોગ તેઓ કેમ બને તે પ્રશ્ર્ન ઊભો થાય છે. કોલેજના વહીવટમાં થયેલી ગેરવહીવટ અને આર્થિક અનિયમિતતાઓના કારણે આજે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિવારણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. શિક્ષણ માટે સંઘર્ષ કરી રહેલા આ વિદ્યાર્થીઓ હવે પોતાના અધિકાર માટે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
હાલ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે જોવાનું રહ્યું કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અને રાજ્ય સરકાર આ ગંભીર પ્રશ્નનો કેટલા ઝડપથી અને કેવી રીતે ઉકેલ લાવે છે.


