મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને છેતરપિંડી અને બનાવટના કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 56 વર્ષીય આશીષ લતા રામગોબિન ઉપર 60 લાખ કરતા પણ વધારે રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. દક્ષીણ આફ્રિકાની કોર્ટે તેને આ મામલે સજા ફટકારી છે.
લતા રામગોબિન પ્રખ્યાત એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિંદની દીકરી છે. લતા પર બિઝનેસમેન એસઆર મહારાજ સાથે ફ્રોડ કર્યાનો આરોપ છે. 2015ના વર્ષમાં લતા રામગોબિન વિરૂદ્ધ કેસની સુનાવણી શરૂ થઈ હતી. રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણ (એનપીએ)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીના કહેવા પ્રમાણે લતાએ સંભવિત રોકાણકારોને નકલી બિલ અને દસ્તાવેજો પ્રદાન કર્યા હતા. આ રીતે તે રોકાણકારોને એવો વિશ્વાસ અપાવવા માંગતા હતા કે, લિનનના 3 કન્ટેનર્સ ભારતથી મોકલવામાં આવી રહ્યા છે. તે સમયે લતાને આશરે 2.70 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
આ કંપની કપડા,જૂતા વગેરેની આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને પ્રોફિટ શેરના આધારે ફાઈનાન્સ પણ પ્રદાન કરે છે. લતાએ મહારાજ પાસેથી 62 લાખ રૂપિયા લીધા હતા. લતાની પારિવારિક શાખ અને નેટકેર દસ્તાવેજોના કારણે મહારાજે તેમના સાથે લોન માટેના લેખિત સમજૂતી કરી લીધી હતી. લતાએ પણ નેટકેર બિલ અને ડિલિવરી નોટ દ્વારા મહારાજને પેમેન્ટ થઈ ગયું હોવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે મહારાજને ખબર પડી કે તે દસ્તાવેજો નકલી હતા તો તેમણે લતા વિરૂદ્ધ કેસ કર્યો હતો.