Sunday, March 1, 2026
Homeરાજ્યજામનગરદ્વારકા યાત્રામાર્ગ પર ડગલેને પગલે સેવા કેમ્પોની મહાસેવાયજ્ઞ - VIDEO

દ્વારકા યાત્રામાર્ગ પર ડગલેને પગલે સેવા કેમ્પોની મહાસેવાયજ્ઞ – VIDEO

પદયાત્રીઓ માટે સર્વસુવિધાસભર વ્યવસ્થા

ફાગણી પૂનમના પાવન અવસરે હોળી તથા ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા તરફ લાખો ભક્તો પગપાળા પ્રસ્થાન કરી રહ્યા છે. જામનગરથી દ્વારકા સુધીનો સમગ્ર માર્ગ આ દિવસોમાં ભક્તિ, સેવા અને સમર્પણના અદભૂત સંગમનો સાક્ષી બની રહ્યો છે. યાત્રામાર્ગ પર ડગલેને પગલે ઉભા થયેલા નાના મોટા સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે પાણીથી લઈ ભોજન, આરામથી લઈ તબીબી સહાય સુધીની તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ બની છે, જેના કારણે સમગ્ર માર્ગ સેવા ભાવનાથી ગુંજી ઉઠ્યો છે.

- Advertisement -

દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેના અનુસંધાને સેવા કેમ્પોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો, વેપારી વર્ગો તથા સેવાભાવી પરિવારો દ્વારા માર્ગ પર સેવા કેમ્પો કાર્યરત રાખવામાં આવ્યા છે. કેટલાક પરિવારો તો પોતાના વાહનોમાં પાણી, ઠંડા પીણા, ફળ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ભરી માર્ગ પર જ ઉભા રહી પદયાત્રીઓને આગ્રહપૂર્વક સેવા આપી રહ્યા છે.

- Advertisement -

યાત્રામાર્ગ પર થોડા થોડા અંતરે પીવાનું શુદ્ધ પાણી, છાશ, લચ્છી, ચા, દૂધ, કોફી, ઠંડા પીણા, શેરડીનો રસ અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ફળો, કાચા શાકભાજીના સલાડ અને પૌષ્ટિક નાસ્તાની પણ સુવિધા છે. નાસ્તા રૂપે સીંગદાણા, પાણીપુરી, ભેળ, પાઉભાજી તથા બજારમાં મળતા તૈયાર પેકેટ્સ પણ સેવા રૂપે આપવામાં આવે છે. અનેક સ્થળોએ રોટલો-શાક સહિતનું સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે, જેથી પદયાત્રીઓ તૃપ્ત થઈ આગળ વધે છે.

સેવા કેમ્પોમાં માત્ર ખાણીપીણી જ નહીં પરંતુ આરામ માટે બેસવાની અને સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક કેમ્પોમાં તબીબી સહાય ઉપલબ્ધ છે, જ્યાં પ્રાથમિક સારવાર, દવાઓ અને આરોગ્ય સલાહ આપવામાં આવે છે. મોબાઇલ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી પદયાત્રીઓ પરિવાર સાથે સતત સંપર્કમાં રહી શકે છે.

- Advertisement -

માર્ગ પર ભક્તિમય માહોલ સર્જાયો છે. ગાડીઓમાં ડીજે ના તાલે ભક્તિના ગીતો અને ધૂન ગુંજે છે, તો કેટલાક સ્થળોએ ગરબાની રમઝટ પણ જોવા મળે છે. સ્વયંસેવકો પદયાત્રીઓને રોકીને સેવા કેમ્પમાં લાભ લેવા અનુરોધ કરે છે. તેમની આ આત્મિયતા અને ઉત્સાહ જોઈ પદયાત્રીઓનો થાક દૂર થઈ જાય છે અને તેઓ નાચતા ગાતા આનંદથી આગળ વધે છે.

પદયાત્રીઓ જણાવે છે કે માર્ગમાં મળતી આ સુવિધાઓ અને સેવાભાવના કારણે યાત્રા વધુ સરળ, સુરક્ષિત અને આનંદમય બની છે. સેવા કેમ્પોમાં કાર્યરત સ્વયંસેવકોનો નિ:સ્વાર્થ ભાવ અને સંકલ્પ યાત્રાને મહાસેવાયજ્ઞનું રૂપ આપી રહ્યો છે.

આ રીતે ભક્તિ અને સેવાનો અદભૂત સમન્વય દ્વારકા યાત્રાને વિશેષ ભવ્યતા આપે છે. ફાગણી પૂનમના આ પાવન પ્રસંગે સમગ્ર યાત્રામાર્ગ પર સેવા, સહકાર અને સમર્પણનો અનોખો ઉત્સવ સર્જાયો છે, જે ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિરૂપે અંકિત થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular