કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં મેગ્નેટિક પાવર ઉત્પન્ન થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાં પણ બે ત્રણ વ્યક્તિઓના શરીરમાં ચુંબકીય અસર જોવા મળી રહી છે. કોરોના વેક્સીન લીધા બાદ શરીર પર રિમોટ ચમચી જેવી ચીજવસ્તુઓ ચોટતી હોવાના દાવા થઈ રહ્યા છે. પરંતુ તબીબોએ કહ્યું છે કે આ વેક્સીન લેવાથી થતું નથી.
વેક્સિન લીધા બાદ અનેક લોકોના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઇ હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વેક્સીનના બન્ને ડોઝ લીધા બાદ લોકોના શરીરમાં ચમચી, સિક્કા, રીમોટ જેવી વસ્તુઓ ચોંટી રહી હોવાના વિડીઓ અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. અગાઉ નાસિકનો એક વિડીઓ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ વેક્સીન લીધા બાદ તેના શરીરમાં ચુંબકીય પાવર ઉત્પન્ન થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
નાસિક બાદ સુરત જીલ્લાના સુભાષનગર સોસાયટીમાં રહેતા એક 80 વર્ષના વૃધ્ધાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઇ હોવાનું સામે આવ્યું છે.વત્સલાબેન નામના વૃદ્ધાના પુત્ર પુનમભાઈએ જણાવ્યું છે કે વેક્સીનના બન્ને ડોઝ લીધા તેની માતાના શરીર પર ધાતુની વસ્તુઓ ચોંટી રહી છે. તેણે સોશિયલ મીડિયામાં આવો એક વિડીઓ જોઈને પોતાની માતાને ચમચી ચોટાડવાની ટ્રાય કરતા ચમચી ચોંટી ગઈ હતી. અને સિક્કાઓ પણ ચોંટી જતા સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઉપરાંત પૂનમભાઈના પુત્રએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હોવા છતાં તેના શરીરમાં ચુંબકીય શક્તિના લીધે વસ્તુઓ ચોંટવા લાગી છે. તેમના કહ્યા મુજબ તેમની માતાને વેક્સિનની કોઈ આડ અસર થઇ નથી.
બનાસકાંઠામાં પણ એક વ્યક્તિના શરીરમાં આ ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે.જોકે એવો પણ દાવો થઈ રહ્યો છે કે, કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા બાદ આ વ્યક્તિના શરીરમાં આ બદલાવ જોવા મળ્યા છે.
આ ઉપરાંત મુળી તાલુકાના દુધઈ ગામના એક વ્યક્તિએ પણ વેક્સીન લીધા બાદ તેમના શરીરમાં વસ્તુઓ ચોંટવા લાગતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે. કોરોના વેક્સીન લીધા બાદ શરીર પર રિમોટ ચમચી જેવી ચીજવસ્તુઓ ચોટતી હોવાના દાવા થઈ રહ્યા છે. પંરતુ તબીબોનું માનવું છે કે, વેક્સિનથી આ થતું નથી. લોકો આવા કોઈ જ ભ્રમમાં ન આવે કારણે મહામારીમાં વેક્સિન જ એક ઉપાય છે. આ અંગે આઈસીએમઆર અને કેન્દ્ર સરકાર જરૂરી તાપસ કરાવે તેવી માગ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક ટીમે કહ્યું ‘કોવિડ-19 વેક્સિન વિશે આ દાવો નિરાધાર છે. વેક્સિનથી માનવ શરીરમાં મેગ્નેટિક રીએક્શન આવતું નથી. કોરોના વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે, તેમાં કોઈ ધાતુ-આધારિત તત્વ નથી. વેક્સિન લીધા બાદ થોડા રીએક્શન જેવા કે હળવો માથાનો દુખાવો, પીડા, ઈન્જેક્શન આપ્યાની જગ્યા પર સોજો અથવા રસી લીધા પછી હળવો તાવ રહે છે. કોરોના વેક્સિન વિશે ખોટી માહિતીનો શિકાર ન બનો અને વેક્સિન લો.