જામજોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા તથા રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતા રૂડાભાઈ હાજાભાઈ મુંધવા નામના 60 વર્ષના ભરવાડ વૃધ્ધ તેમના કુટુંબીજનો લાલાભાઈ, મયુરભાઈ, શાંતિબેન, રેખાબેન વિગેરે સાથે તા. 26 ફેબ્રુઆરીના રોજ તરસાઈ ગામેથી પગપાળા ચાલીને દ્વારકા નીકળ્યા હતા. તેઓ તા. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે દ્વારકા પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ રાત્રી રોકાણ કર્યા બાદ રવિવાર તા. 1 માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશ, રૂક્ષ્મણી માતાજી વિગેરે સ્થળે દર્શન કરી, ગોમતી ઘાટ ખાતે સ્નાન કર્યું હતું.
આ પછી તા. 01ના રોજ સવારના 10 વાગ્યાના સમયે રૂડાભાઈ મુંધવા તથા તેમના કુટુંબી કાકા રૂડાભાઈ દરિયાકાંઠે ચોપાટી ઉપર ગયા હતા. જ્યાં આશરે 30 વર્ષ અને 25 વર્ષના બે અજાણ્યા યુવાનો આવીને બેઠા હતા. આ અજાણ્યા યુવાનોએ તેમનું ઠામ-ઠેકાણું અને જ્ઞાતિ પૂછી હતી. ત્યારબાદ તેઓએ પોતે પણ ભરવાડ જ્ઞાતિના હોવાનું અને રાજકોટ બાજુ રહેતા હોવાનું જણાવી વાતોમાં ભોળવી લીધા હતા.
આ પછી બંને શખ્સોએ તેમને આગળ રહેલી દીવાદાંડી બાજુ બનેલા નવા ગણપતિના મંદિરે દર્શન જવાનું કહેતા ફરિયાદી રૂડાભાઈ તથા તેમના કાકા રૂડાભાઈ બંને તેમની સાથે જવા માટે નીકળ્યા હતા. આ પછી અજાણ્યા શખ્સ પૈકીના આશરે 25 વર્ષના આ યુવાને પોતાને શેરડીનો રસ પીવો હોવાનું કહી અને રસ લઈ આવ્યો હતો. દીવાદાંડી પાસે બેઠેલા કાકા-ભત્રીજાને રસના ગ્લાસ ભરાવી ભરીને પીવડાવી તેઓએ પણ રસ પીધો હતો.
આ પછી રૂડાભાઈ તથા તેમના કાકા બંને ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. અને ફરિયાદી રૂડાભાઈ ભાનમાં આવ્યા ત્યારે તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમજ તેમના કાકા રૂડાભાઈ ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. આમ, આ કાકા-ભત્રીજાને કોઈ અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક જેવા પ્રવાહી પીવડાવીને મૂર્છિત કર્યા બાદ તેઓએ કાનમાં પહેરેલા રૂપિયા 80 હજારની કિંમતના સોનાના ઠોરીયા તથા રૂપિયા 35,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગેની જાણના આધારે પી.આઈ. એ.એલ. બારસીયા તથા સ્ટાફએ બે અજાણ્યા શખ્સો સાથે સામે લૂંટનો ગુનો નોંધી રફૂચક્કર થઇ ગયેલા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


