ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા એક મંદિરની બાજુમાં રહેતા ધના આલા ભાચકનના રહેણાંક મકાનમાં એલસીબી વિભાગના સજુભા જાડેજા તથા સ્ટાફે દરોડો પાડી, આ મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. જેમાંથી 100 લીટર દેશી દારૂ, 560 લીટર દારૂ બનાવવાનો આથો, સ્ટીલની ટાંકી, સ્ટેન્ડ, ચૂલો, સિલિન્ડર, નળી, વાસણ, વિગેરે સહિત કુલ રૂપિયા 11,420 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આરોપી ધના આલા ભાચકન ફરાર જાહેર થયો છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર રાણ ગામે સ્થાનિક પોલીસે હેમત દેવીયા ગઢવીના રહેણાંક મકાનમાં દારૂ અંગે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 3,290 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપી હેમત દેવીયા ગઢવી પોલીસને હાથ લાગ્યો ન હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.