જામનગરથી દારૂ ભરવા દમણ ગયેલા ટ્રકને વલસાડ પોલીસે પાવડરની થેલીઓની આડમાં દમણથી જામનગર લઇ જતા બે શખ્સોને પાંચ લાખની કિંમતનો દારૂ અને બીયર સહિત રૂા.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર સહિત ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ થઈ રહી છે. યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવાના બનાવો અસંખ્ય પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે પાવડરની થેલીઓની આડમાં દમણથી જામનગર દારૂ લઇ આવતા ટ્રકને વલસાડ પોલીસે ઝડપી લીધો છે. તેમાં વલસાડ રૂરલ પીઆઇ બી ડી જીતીયાને મળેલી બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રક પારડીથી સુરત તરફ જનાર હોય જેથી વલસાડ પોલીસે ધમડાચી નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રક ચાલક સહિતના બે શખ્સોની પુછપરછ કરતા ટ્રકમાં સફેદ પ્લાસ્ટિકના મીણીયા થેલીઓમાં સફેદ પાવડર ભરેલો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસની પુછપરછમાં ટ્રકચાલક સહિતના બે શખ્સો જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી સફેદ પ્લાસ્ટિકની મીણિયા થેલીઓમાં વેસ્ટેજ પાવડરની 100 થેલીઓમાં દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે પાવડરની થેલીઓમાં ભરેલી ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરની બોટલો મળી 9600 બોટલ સહિત કુલ રૂા.5,04,000 ની કિંમતના દારૂ-બીયર સાથે ટ્રકચાલક રહીશ ખનીફ જમાલ બ્લોચ (રહે. જામનગર) અને કલીનર યાકુબ ગુલામહુશેન દોસમહમદ દરજાદા (રહે. જામનગર) નામના બંને શખ્સોની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરવા દમણ મોકલ્યા હતાં અને દમણના રાકેશને ફોન કરવાનું જામનગરના મહમદ અફઝલ કાદર સમા દ્વારા મોકલ્યા હોવાની કેફિયત આપી હતી.જેના આધારે પોલીસે દમણના રાકેશ તથા દારૂ મંગાવનાર જામનગરના મહમદ અફઝલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


