ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આજથી આશરે 10 વર્ષ પૂર્વે ફરજ પર રહેલા એક પોલીસ કર્મચારી સાથે દંડની પાવતી ફાડવા બાબતનો પૂર્વગ્રહ રાખી, કલ્યાણપુરના મેવાસા ગામના બે શખ્સોએ મોટરસાયકલ પર જઈ રહેલા પોલીસ કર્મીને કાર વડે ઠોકર મારી, ઈજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયાની સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને આજીવન કેદ તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકારતો દાખલારૂપ હુકમ કર્યો છે.
આ સમગ્ર ચકચારી પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વર્ષ 2014 ના સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારી દેવાણંદભાઈ આલાભાઈ સુવા કે જેઓ જે-તે સમયે જિલ્લા ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તારીખ 5 જુલાઈ 2014 ના રોજ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક અંગેની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે અહીં અડચણરૂપ થાય તે રીતે રાખવામાં આવેલી એક મોટરકારના ચાલકને પોલીસ કર્મી દેવાણંદભાઈએ પોતાની કાર સાઈડમાં ઉભી રાખવા માટે જણાવ્યું હતું અને વારંવાર જણાવવા છતાં પણ કારમાં સવાર બંને શખ્સોએ દેવાણંદભાઈ સાથે રકઝક કરી હતી. જેથી ફરજના ભાગરૂપે ટ્રાફિક શાખાના સાથી પોલીસ કર્મચારીઓ દ્વારા હાજર દંડની પાવતી તેઓને પકડાવી દેવામાં આવી હતી. દંડ ભરવાનું કહેતા કારમાં જઈ રહેલા કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામના રામદેવ માલદે ગાધેર દ્વારા ધમકી આપવામાં આવી હતી કે ‘હું કોણ છું તે તું જાણતો નથી. તને હું જોઈ લઈશ.’
આ બનાવના બીજા દિવસે તારીખ 6 જુલાઈ 2014ના રોજ દેવાણંદભાઈ સુવા પોતાની મોટર સાયકલ પર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, તે દરમિયાન આરોપી રામદે માલદે ગાધેર તથા તેની સાથે વિજય ઉર્ફે વીરો દેવાણંદ ગાધેર પોલીસ કર્મચારીએ દેવાણંદભાઈ સુવાને જોઈ ગયા હતા. જામનગર-દ્વારકા હાઈવે પરના ઉપરોક્ત સ્થળે આરોપીઓએ પોતાની મોટરકાર દ્વારા પોલીસ કર્મચારી દેવાણંદભાઈ સુવાને મારી નાખવાના ઇરાદાથી તેમના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે દેવાણંદભાઈ સુવાને શરીરને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જે અંગે જે-તે સમયે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેનો કેસ ખંભાળિયામાં પ્રિન્સિપલ સેશન્સ જજ એસ.વી. વ્યાસની અદાલતમાં ચાલી જતા આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કમલેશભાઈ દવે દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ, નામદાર અદાલતે બંને આરોપીઓને આજીવન કેદની સજા તથા આરોપીઓએ ફરિયાદી પોલીસ કર્મચારી દેવાણંદભાઈ સુવાને રૂપિયા એક લાખ બંનેએ ચૂકવવા માટે હુકમ કર્યો હતો.