ઓખા જીએમબી દ્વારા નિયમ ભંગ મામલે ચાર ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરી રૂા.500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમોનો ઉલાળિયો કરતા ફેરી બોટ ચાલકો વિરૂધ્ધ પગલાં લેવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટતા હોય છે. જેમને બેટ દ્વારકા જવા માટે ફેરી બોટ સેવાનો ઉપયોગ કરતા હોય છે. હજારો યાત્રિકોના આવાગમનને ધ્યાને લઇ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફેરી બોટ સંચાલકો માટે કેટલાંક નિયમો નિયત કરાયા છે. આમ છતાં કેટલાંક ફેરીબોટ સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળિયો કરાતો હોવાનું જીએમબીની ચકાસણીમાં સામે આવતા ચાર ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરી રૂા.500 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
જો કે સજા કે દંડ વર્ષોથી મામુલી રહ્યા હોય ફેરીબોટ સંચાલકો નિયમોને ગાંઠતા જ નથી અને અવાર-નવાર નિયમ ભંગ મુદ્દે જીેઅમબી દ્વારા ફેરીબોટ સંચાલકો વિરૂધ્ધ પગલાં લેવામાં આવે છે. પરંતુ, ફરી વખત પરિસ્થિતિ જેમની તેમ જોવા મળતી હોય છે. યાત્રિકોના જીવ સાથે જોખમરૂપ નિયમભંગ કરતા બોટ સંચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તેમ પણ યાત્રિકો ચર્ચાઈ રહ્યું છે.