હાલમાં જ મોરબીની મચ્છુ નદી ઉપર રહેલો ઝુલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનામાં 135 થી વધુ લોકોના મોત નિપજ્યા હતાં આ ઘટના બન્યા પછી રાજ્યના જિલ્લાઓના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સફાળો જાગી ગયો છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દ્વારકાના ઓખા અને બેટ વચ્ચે ચાલતી 26 બોટોના પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
મોરબીમાં બનેલી દુર્ઘટના પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસ પ્રસાશન જાગ્યું છે અને ઓખા-બેટ વચ્ચે ચાલતી 26 બોટોને પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓખા જેટીથી બેટ દ્વારકા તરફ ફેરી સર્વિસ ઉપર દેખરેખ રાખવા માટે દ્વારકા પ્રાંત અધિકારી, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, પોર્ટ ઓખા પોર્ટ ઓફિસર તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત, રેસ્કયુ ટીમ સાથે કેમ્પ કરવામાં આવી રહ્યા છે. શીવરાજપૂર બીચ, ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિતના મહત્વના સ્થળો ઉપર બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઓખા બેટ વચ્ચે 183 બોટનું રજીસ્ટે્રશન થયું છે. જેમાંથી અત્યારે 100 જેટલી બોટ કાર્યરત છે. લાયસન્સ ધરાવતી બોટમાં 50, 70, 100, 120 મુસાફરોની કેપેસિટી ધરાવતી બોટોમાં સફર કરાવવામાં આવે છે. પહેલાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવતા હતાં પરંતુ મોરબીની ઘટના બાદ તંત્ર જાગતા ઓખા-બેટ પર બોટમાં કેપેસિટી મુજબ મુસાફરો ભરાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી હતી.
દરમિયાન 25 બોટ આઠ દિવસ માટે અને એક બોટ અચોકકસ મુદ્ત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. નિયત કરતા વધુ ભાડા અને ઓવર કેપેસિટીને લઇ મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જગત મંદિર, શિવરાજપૂર બીચ, ગોમતી ઘાટ, બેટ દ્વારકા સહિત સ્થળો પર કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જગત મંદિર ખાતે યોગ્ય બેરીકેટીંગ લગાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ સુદામા સેતુ ખાતે વધુ પ્રમાણમાં એકઠા ના થાય તે માટે હંગામી ધોરણે સુદામા સેતુ ખાતે અવર-જવર બંધ કરવામાં આવી છે. શિવરાજપૂર ખાતે બીચ ઓથોરિટીના સંપર્કમાં રહીને સહેલાણીઓ ઉંડા પાણીમાં ના જાય તે માટેની વ્યવસ્થા તેમજ લાઈફગાર્ડ, રેસ્કયુના સાધનોની ઉપલબ્ધી સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. આ સિવાય જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો કિલેશ્ર્વર, ઘુમલી, હર્ષદ માતા મંદિર સહિતના સ્થળો પર પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.