જામનગર સહિત રાજયભરના મહાનગરોની ફરતે આવેલી ખેતીની લાખો એકર જમીનો એવી છે જેમાં અદાલતોમાં કેસો ચાલી રહ્યા છે અથવા બિનખેતી મામલે કલેકટર કચેરી સમક્ષ હજારો ફાઇલો પડતર છે. કારણ કે, છેલ્લાં ચાર વર્ષથી આ મામલે કાનૂની જંગ સરકાર અને બિલ્ડરો વચ્ચે ચાલી રહ્યો છે. આ જંગની પાછળ જવાબદાર છે ગુજરાત સરકારનો 2017નો એક પરિપત્ર. આ મામલામાં સુપ્રિમ કોર્ટે બિલ્ડરની તરફેણમાં ચૂકાદો આપતા હવે મહાનગરોની આસપાસની આ પ્રકારની લાખો એકર ખેતીની જમીન બિનખેતી થવા તરફ મુકત થશે. જેને પરિણામે ઘર ખરીદનારાઓને પણ ફાયદો થશે. કારણ કે, મોટાં પ્રમાણમાં જમીનો છુટી થવાથી હાલના જમીનોના ભાવો દબાશે અને અનેક નવા પ્રોજેકટ આકાર લઇ શકશે.
આ આખા પ્રકરણની વિગતો એવી છે કે, 2015ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર એકટમાં સુધારો કર્યો હતો. અને 63 એબી નામની નવી કલમ દાખલ કરી હતી. આ સુધારાના કારણે, એવી જમીનો પણ રેગ્યુલરાઇઝ કરવાની જોગવાઇ દાખલ થઇ હતી કે,કોઇ નોન એગ્રીકલ્ચર અથવા સહકારી સંસ્થાએ કોઇ ખેડૂત પાસેથી જમીન ખરીદી હોય તે જમીન પ્રિમિયમ ચાર્જ ભરીને રેગ્યુલરાઇઝ કરાવી શકાય. જો કે, તેમાં એવી શરત હતી કે, જુન 2015 પહેલાં અંતિમ વ્યવહાર થયો હોય તે જમીનો ને જ આ જોગવાઇ હેઠળ રેગ્યુલરાઇઝ કરી શકાય.
ત્યારબાદ 2017માં વિજયભાઇ રૂપાણીની સરકારે એક પરિપત્ર જાહેર કરી આ જોગવાઇને રદ કરી હતી અને જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં આ સુધારો કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ઓગણજ નામના ગામની એક જમીન જે કોઓપરેટીવ સોસાયટી દ્વારા 1990માં ખરીદ કરવામાં આવી હતી. તેનો કેસ અદાલતમાં પહોંચ્યો આ સોસાયટીની રચના કરનાર સભ્યો પૈકી મોટાં ભાગના સભ્યો બિલ્ડર હતા. તેઓની જમીન રેગ્યુલરાઇઝ થતી ન હતી. કારણ કે, કલેકટરના માધ્યમથી સરકાર આ સોસાયટીને એમ કહેતી હતી કે, તમે ખેડૂતો નથી અને તેથી સરકારના કાયદા મુજબ કલેકટરની મંજૂરી વિના આ પ્રકારની જમીન રેગ્યુુલરાઇઝ થઇ શકે નહી. દરમ્યાન 20 વર્ષ સુધી આ સોસાયટીની જમીન બીનખેતી થઇ શકી નહી.
2015માં કાયદામાં થયેલાં સુધારા મુજબ આ જમીન બિનખેતી થઇ શકતી હતી. પરંતુ 2017ના પરિપત્ર મુજબ આ સોસાયટી આ જમીન બિનખેતી કરાવી શકી નહી.20 વર્ષ પછી આ સોસાયટી આ કેસ લઇ વડી અદાલતમાં પહોંચી અને 2017ના પરિપત્રને કાનૂની પડકાર આપ્યો. 2018માં હાઇકોર્ટે કહ્યું આ જમીન બિનખેતી થઇ શકે. તે માટે જમીન ધારક સોસાયટીએ પ્રિમિયમ જમા કરાવવું પડે ત્યાર પછી, હાઇકોર્ટે કલેકટરને આદેશ કર્યો કે, ખેડૂત દ્વારા આ જમીન બિનખેતી કરાવવા અંગે જે અરજી દાખલ થયેલી છે. તેના પર નવેસરથી નિર્ણય લેવો.
હાઇકોર્ટે કલેકટરને આપેલા આ આદેશને તથા હાઇકોર્ટના ચુકાદાને ગુજરાત સરકારે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં તથા સુપ્રિમ કોર્ટમાં પણ કાનૂની પડકાર આપ્યો. ત્યારપછી સુપ્રિમ કોર્ટે ગત્ સપ્તાહે ગુજરાત સરકારની આ અપીલને ડિસમિસ કરી અને જણાવ્યું કે, આ કેસમાં હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં સર્વોચ્ચ અદાલત દખલ કરવા ઇચ્છતી નથી.
ગુજરાતના બિલ્ડરોએ સુપ્રિમ કોર્ટના ચુકાદોને આવકાર્યો છે અને જણાવ્યું છે કે, આ ચુકાદાને કારણે આ પ્રકારના ઘણાં કાનૂની વિવાદો નીપટશે અને કેટલાંક કાનૂની વિવાદોની સંખ્યા ઘટશે. તેમજ આ પ્રકારની જમીનોને બિનખેતી કરાવવાની પ્રક્રિયા સરળ બનશે.