કલ્યાણપુર નજીકના મોટા આસોટા ગામે એક શખ્સના મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી મહિલા સહિત 8 ખેલૈયાઓને 2.60 લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5.66 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા દારૂ-જુગારની જેવી પ્રવૃત્તિઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા શનિવારે રાત્રિના સમયે કલ્યાણપુર પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા આસોટા ગામે ગઢવી વિસ્તાર ખાતે રહેતા ભીખા વરજાંગ વાનરીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજાના ઝૂંપડામાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી તથા જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, અને તેના બદલામાં નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે દરમિયાન ભીખા વરજાંગ વાનરીયા (રહે. મોટા આસોટા), રામગર જેરામગર ગૌસ્વામી (રહે. સાચલાણા, તા. તા.કલ્યાણપુર), આશા સામરા લુણા (રહે. શક્તિનગર, ખંભાળિયા), ઘેલુ વેરશી ભુવા (રહે. મોટા માંઢા, તા. ખંભાળિયા), રાયા હરદાસ સિંધિયા (રહે. બેહ, તા. ખંભાળિયા), અરજણ રામ રૂડાચ (રહે. ગાયત્રીનગર, ખંભાળિયા), સુમાત કેશુ ગોજીયા (રહે. રામનાથ મંદિર પાછળ, ખંભાળિયા) અને એક મહિલા સહિતઆઠ વ્યક્તિઓને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 2 લાખ 60 હજાર રોકડા, રૂ. 55 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 2.50 લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર વિગેરે મળી, કુલ રૂ. 5 લાખ 66 હજાર 500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.


