ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે આવેલી એક દુકાનમાં ચોરી થવા સબબ દુકાન માલિક દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણ અંગે જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં ભાણવડ પંથકના ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
જેમાં ભાણવડના સઈ દેવળીયા ગામના રીઝવાન ઉર્ફે આમીન નુર મામદ ઘુઘા (ઉ.વ. 27), રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા અરબાઝઇસ્માઇલ ઘુઘા (ઉ.વ. 18) અને સમીર ઉર્ફે બાડો દિલાવર સમા (ઉ.વ. 19) નામના ત્રણ શખ્સોને દબોચી લઈ, રૂ. ત્રણ હજાર રોકડા અને રૂ. 20 હજારની કિંમતનું સાઈન મોટરસાયકલ લોખંડનો સળિયો વિગેરે મુદામાલ કબજે કરી, આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વિપુલભાઈ ડાંગર, ગોવિંદભાઈ કરમૂર, સચીનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


