જામનગરના લાફટર કિંગ તરીકે સુપ્રસિધ્ધ વસંત પરેશની તાજેતરમાં તબિયત લથડતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક દિવસ સારવાર અર્થે દાખલ કરાયા હતાં અને હાલમાં તેઓની તબિયત સુધારા પર હોય, તેમના મિત્ર વર્તુળ તથા પરિવારજનોમાં રાહત થઇ હતી.
નગરના ગર્વ સમાન કોમેડિકિંગ વસંત પરેશ બંધુ ગત તા. 15ના રોજ તેમના સાથી કલાકાર સાથે અમદાવાદ એક હાસ્ય કાર્યક્રમ ખાતે જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમનું સુગર લેવલ ઘટી જતાં તેઓ બેભાન થઇ ગયા હતાં. આથી લૈયારા ખાતેથી તેઓને પરત જામનગર લાવવામાં આવ્યા હતાં અને 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તબીબો દ્વારા એક દિવસની સારવાર આપી તેમને રજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, વસંત પરેશ બંધુ અત્યાર સુધીમાં હાસ્યના અંદાજિત 6000થી વધુ સ્ટેજ શો તેમજ 100થી વધુ ઓડિયો-વિડીયો કેસેટોમાં પોતાની હાસ્ય કલા પ્રસરાવી ચૂકયા છે તેમજ તેઓ માત્ર ભારત જ નહીં લંડન, અમેરીકા, દુબઇ સહિતના 20 જેટલા દેશોમાં પણ હાસ્યનો ધોધ વહાવી ચૂકયા છે. લોકોને પેટ પકડીને હસાવનાર તેમજ લોકોને આંખોમાં હર્ષના આંસુ લાવનાર વસંત પરેશ બંધુએ વિદેશોમાં પણ જામનગરનું નામ રોશન કર્યું છે. ત્યારે તેમની તબિયત લથડતાં તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ તથા ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું પરંતુ સારવાર બાદ હાલમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં લોકોમાં ખુશી થઇ હતી.