પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે, ‘જો ખેલતા હૈ વહ ખીલતા હૈ’ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ખેલકુંભના આયોજન કરાવ્યા તેવી જ રીતે પ્રધાનમંત્રી તરીકે દેશભરમાં ‘ખેલે ઈન્ડિયા’ ના આયોજનો દ્વારા બાળકો તેમજ યુવાનોને ખાસ કરીને રમત ગમતની તક પૂરી પાડી રહ્યા છે ત્યારે એવી જ એક સ્પર્ધામાં જામનગર અને કાલાવડનું નામ રોશન કર્યુ છે.
સેવા-સારવાર-શિક્ષણ-સ્પોર્ટસ-જનઉત્કર્ષ સહિતની વિવિધ જનલક્ષી પ્રવૃત્તિઓનો વ્યાપ ધરાવતા સ્વ. એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટની ટીમ સૌરાષ્ટ્ર ઝોન ચેમ્પીયન બની છે અને ‘બેટી પઢાઓ’ થી આગળ ધપી અન્ડર-17 ની દિકરીઓ કેન્દ્ર સરકારના ‘ખેલે ઈન્ડિયા’માં ઝળકી છે મહત્વની બાબત એ છે કે, ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમનું આ માટે ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું હતું. તેમજ કોચ-મેનેજર-ટીમની જહેમતથી બાળાઓની ફુટબોલ ટીમએ અનેરો જુસ્સો દર્શાવ્યો છે જે પ્રસંશનીય અને અભિનંદનને પાત્ર છે.
આ અંગેની વિગત મુજબ, કેન્દ્રીય રમત ગમત મંત્રાલય તથા સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા આયોજિત ખેલો ઈન્ડીયાની ફુટબોલ રમતમાં અંડર 17 ગર્લ્સ વિભાગમાં સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ ખાતે, કાલાવડની સ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટની ટીમ ચેમ્પિયન બની છે.
સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન દર રવિવારે લીગના ધોરણે રમાયેલા મેચોમાં કાલાવડ સબ કોચિંગ સેન્ટરની સ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટની 17 વર્ષ નીચેની વયની બાળાઓની ફુટબોલ ટીમ ટેબલ ટોપ બનીને વિજેતા બની છે. લીગ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વગર ખૂબ સરસ પ્રદર્શન સાથે આ દીકરીઓએ કાલાવડ અને જામનગરનું નામ રોશન કર્યુ છે.
ટીમના મુખ્ય સ્પોન્સર અને ઓનર સંસદસભ્ય પૂનમબેન માડમે આ તકે દરેક ખેલાડી અને કોચ-મેનેજરને અભિનંદન પાઠવ્યા હતાં. ટીમની સફળતા પાછળ મુખ્ય કોચ સંદિપ સિંગ અને લેડી કોચ મૌલિકાબેન મહત્વનો ફાળો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી રિલાયન્સ ઇન્ડ. તરફથી જામનગર ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશન અને એના અંડરમાં દત્તક લીધેલ સ્વ. એચ.આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ ફુટબોલ કોચિંગને પ્રોત્સાહનરૂપે પૂર્ણ આર્થિક સહયોગ મળતો રહ્યો છે. જેના કારણે જામનગરના ફુટબોલ ખેલાડીઓનું સ્ટેટસ રાજ્ય કક્ષાએ ઝડકયું છે એમ આ વિગતો આપતા જામનગર ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના સેક્રેટરી આનંદભાઈ માડમની યાદીમાં જણાવાયું છે.