જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં વેપારી વૃદ્ધના પાંચ દિવસ બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂા.11 લાખની રોકડની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુના શોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં રમેશભાઈ નામના વૃદ્ધ વેપારી તેમના પરિવાર સાથે સાતમ આઠમના તહેવાર દરમિયાન બહારગામ ફરવા ગયા હતાં અને પાંચ દિવસ બંધ રહેલાં મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલી રૂા.200 ના દરની 25 નોટ તેમજ 100 ના દરની 1250 નોટ તથા રૂા.50 ના દરની 2200 નોટ, રૂા.20 ના દરની 2500 નોટ અને અને રૂા.500 ના દરની 1620 નોટ મળી કુલ રૂા.11 લાખ રોકડા ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ 11 લાખની રોકડ રકમ ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, માતબર રકમની ચોરીમાં કોઇ જાણભેદું હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.