વર્ષ 2023 માટે ‘વિશ્વના મહાન સ્થળો’ની વાર્ષિક યાદીમાં ભારતના બે સ્થળો લદ્દાખ અને ઓડિશાના મયુરભંજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, ટાઇમની યાદીમાં 2022ના વિશ્ર્વના મહાન સ્થળોમાં ભારતના કેરળ અને અમદાવાદનો સમાવેશ કરાયો હતો. ટાઈમ મેગેઝીને બહાર પાડેલી 50 સ્થળોની યાદીમાં મયુરભંજ જિલ્લો તેના દુર્લભ વાઘ, પ્રાચીન મંદિરો, રોમાંચ અને વ્યંજનો માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે લદ્દાખ તેના અદભૂત આલ્પાઇન લેન્ડસ્કેપ અને તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિને કારણે લોકોને આકર્ષે છે. અહીં એક વાર ગયા પછી વારંવાર અહીં આવવાની ઈચ્છા થઈ આવે છે.
ટાઈમ મેગેઝીને લદ્દાખ અને મયુરભંજ માટે પ્રોફાઈલ પેજીસ બનાવ્યા છે જેમાં બંને સ્થળોની વિશેષતા દર્શાવી છે. 2023માં ભારતે લદ્દાખની રાજધાની લેહથી લગભગ 168 માઇલ દક્ષિણપૂર્વમાં હનલે ગામમાં તેના ઘેરા કાળા આકાશની વિશેષતાનો ઉલ્લેખ કર્યો છે. ગામમાં વર્ષમાં લગભગ 270 સ્પષ્ટ રાત હોય છે, જે તેને ખગોળીય વૈભવ માટે આદર્શ બનાવે છે. તેના લીલાછમ લેન્ડસ્કેપ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત, ઓડિશામાં મયુરભંજ એ સૂચિમાં બીજું ભારતીય સ્થળ છે. અહેવાલમાં મહિલાઓ દ્વારા સ્વદેશી હસ્તકલા, જટિલ હાથશાળ, સબાઈ ગ્રાસ વણાટ, ધાતુની કળા અને ડોકરાની અદૃશ્ય થતી કલા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ ઉલ્લેખ છે. ઉલ્લેખનિય છે કે સિમિલીપાલ નેશનલ પાર્કના ઈકોસિસ્ટમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા દરરોજ માત્ર 60 વાહનોને જ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.