જામનગર શહેરના મારવાડીવાસ વિસ્તારમાં યુવતી સામે ઇશારા અને છેડતી કરતા શખ્સને સમજાવવા જતા યુવતીના ભાઇ પર ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. સામાપક્ષે ત્રણ ભાઇઓએ યુવાન ઉપર લોખંડના પાઇપ અને મૂઠ તથા લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મારવાડીવાસમાં રહેતા કમલેશ રાઠોડ નામના યુવાનની બહેનને હેમંત ઉર્ફે દૂદો પ્રાગજી પરમાર નામના શખ્સે યુવતીની સામે ખરાબ ઇશારા કરી આંખો મારતો હતો જેથી સમજાવા ગયેલ કમલેશ ગમન રાઠોડ ઉપર હેમંત ઉર્ફે દૂદો, ડાયો, પેમો નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી છરીનો ઘા ઝીંક્યોં હતો. તેમજ લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. આ હુમલામાં કમલેશ ગમન રાઠોડ, વસંત ગમન રાઠોડ અને રમેશ ગમન રાઠોડ નામના ત્રણ ભાઇઓએ હેમંત પ્રાગજી પરમારની પત્નીને પરત લઇ આવવા માટે જણાવતા ત્રણ ભાઇઓએ એકસંપ કરી લોખંડના પાઇપ વડે હેમંત ઉપર તથા ડાયા ઉપર હુમલો કર્યો હતો. ઉપરાંત મૂઠ અને લાકડી વડે માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં બનાવ અંગેની જાણ થતાં પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે કમલેશ રાઠોડના નિવેદનના આધારે હેમંત ઉર્ફે દૂદો, ડાયો અને પેમા વિરૂધ્ધ તથા સામા પક્ષે હેમંત ઉર્ફે દૂદાના નિવેદનના આધારે કમલેશ, વસંત અને રમેશ રાઠોડ નામના ત્રણ ભાઇઓ વિરૂધ્ધ સામ-સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.