ખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીએ ગઈકાલે શુક્રવારે વહેલી સવારે કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત શ્રી રામ મંદિર પાસે રહેતા શૈલેન્દ્રભાઈ રસિકભાઈ પંડ્યા (ઉ.વ. 55) એ ગુરુવારે મોડીરાત્રે અથવા ગઈકાલે વહેલી સવારે કોઈ અકળ કારણોસર ફીનાઇલ જેવું જલદ પ્રવાહી પી લેતા તેમના મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં તેમના પરિવારજનો એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ નિશિતભાઈ શુક્લાએ પોલીસને કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા મુન્નાભાઈ પંડ્યા ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને શ્રીરામ મંદિર ખાતે નિયમિત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના કાકા શૈલેન્દ્રભાઈ પંડ્યાના અકળ કારણોસર અકાળે થયેલા અવસાનથી ઔદિચ્ય બ્રહ્મ સમાજ સાથે સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ તેમનું મિત્ર વર્તુળ સામેલ રહ્યું હતું.