દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સામે લડત આપવા સરકારી તંત્ર પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. જેમાં ખંભાળિયામાં ગઈકાલે સોમવારે એકસો બેડ તથા ઓક્સિજન સુવિધા સાથેનું એક કોવિડ કેર સેન્ટર રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોના કોરોના દર્દીઓની સુવિધા માટે જિલ્લા ભાજપ પરિવાર તથા આગેવાનો- કાર્યકરો અને સરકારી તંત્ર દ્વારા સંયુક્ત પ્રયાસોના પરિણામ સ્વરૂપ ખંભાળિયાના પોરબંદર રોડ વિસ્તારમાં વિસ્તારમાં નગરપાલિકાના નવનિર્માણ પામેલા ટાઉનહોલ ખાતે 100 બેડના કોવિડ કેર તથા આઈસોલેશન સેન્ટર કરાયા બાદ આ સેન્ટરને ગઈકાલે બપોરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જિલ્લા સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
વીસ જેટલા ઓક્સિજન બેડ સાથેના આ કોવિડ કેર એન્ડ આઈસોલેશન સેન્ટરમાં આગામી દિવસોમાં વધુ એકસો બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંગે ગઈકાલે બપોરે ખંભાળિયામાં હવાઈમાર્ગે આવેલા સી.આર. પાટીલ દ્વારા અત્રે ભગવાન દ્વારકાધીશને દીપ પ્રાગટ્ય કરી, આ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં હાલની પરિસ્થિતિમાં એક સીટી સ્કેન મશીન અનિવાર્ય હોય, આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી. જેનો હકારાત્મક પ્રતિસાદ આપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાને સીટી સ્કેન મશીન મળે તે માટે તાકીદે નક્કર પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી. આ સેન્ટરને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ખુલ્લું મુકાયા બાદ ખંભાળિયામાં યોજવામાં આવેલા રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર આયોજનમાં પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયા, ડીવાયએસપી સમીર સારડા, ડોક્ટર મેહુલ જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ખિમભાઈ જોગલ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી, મહેશ રાડીયા, ઉપરાંત સમગ્ર સેન્ટરના મુખ્ય ઇન્ચાર્જ જયેશભાઈ ગોકાણી સાથે પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં કોરોનાના અનેક દર્દીઓ માટેની આ વધારાની નવી સુવિધા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નગરપાલિકાની દેખરેખ હેઠળ પ્રારંભ થયેલા આ કોવિડ કેર સેન્ટર માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા સેવાભાવીઓ દ્વારા પ્રેરણારૂપ અનુદાન આપવામાં આવી રહ્યું છે.