ખંભાળિયામાં સલાયા રોડ પર આવેલી પેન્ટરનીની દુકાનમાં ગઈકાલે રવિવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર તંત્ર દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં ચાર રસ્તા પાસે સલાયા ફાટક નજીક એક નંબર પ્લેટ વિગેરેમાં રેડિયમ ચોંટાડવાનું કામ કરતા નિતીનભાઈ પ્રજાપતી નામના એક આસામીની દુકાનમાં રવિવારે સવારે આશરે આઠેક વાગ્યે એકાએક આગ ભભુકી ઉઠી હતી. આ આગની જાણ અહીંના ફાયર વિભાગના અધિકારી મિતરાજસિંહ પરમારને કરવામાં આવતાં ફાયર સ્ટાફના સંજય ભાટુ અને નરેશ ધ્રાંગુ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.દુકાનમાં અગરબત્તી કરવામાં આવ્યા બાદ આ દુકાન બંધ કરીને ગયા પછી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગના કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે ફાયર સ્ટાફની જહેમતથી આગ વઘુ પ્રસરતા અટકી હતી. પરંતુ આગના કારણે થોડો સમય આસપાસના રહીશોમાં ભયની લાગણી પ્રસરી હતી.