Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વીજકર્મચારી ઉપર હુમલો કરી ધમકી

ખંભાળિયાના વીજકર્મચારી ઉપર હુમલો કરી ધમકી

બે વીજપોલ ભાંગી નાખ્યાની બાબતે પૂછપરછ કરતા ધમકી : પથ્થર વડે હુમલો : સીમાણી કાલાવડના શખસ સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામમાં રહેતાં શખસ દ્વારા વીજ જોડાણની લાઈનમાં સ્પાર્કિંગ થતું હોવાની ફરિયાદના આધારે પીજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર ગયા ત્યારે શખ્સ દ્વારા તેના ખેતરના સેઢે આવેલા બે વીજપોલ ભાંગી નાખ્યા હોય જે બાબતે પૂછપરછ કરતા શખ્સે પીજીવીસીએલના કર્મચારી ઉપર પથ્થર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા સીમાણી કાલાવડ ગામે રહેતા રાજેન્દ્રસિંહ નવુભા ચુડાસમા નામના શખ્સ દ્વારા રાત્રીના સમયે અહીંની પીજીવીસીએલ કચેરીમાં ફોન કરી અને અહીં વીજ જોડાણની લાઈનમાં સ્પાર્કિંગ થતું હોવાનું જણાવ્યું હતું. જેની કમ્પ્લેનના આધારે પીજીવીસીએલના વડત્રા સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ જેન્તીભાઈ ડાભી તેમજ ખાનગી કોન્ટ્રાક્ટરના બે માણસોને વાહન ચાલક રાત્રિના સમયે આસિસ્ટન્ટ દ્વારા આ વિસ્તારનો 11 કેવી ખેતીવાડી ફિડર બંધ કરી, આ સ્થળે પહોંચ્યા હતા.

જ્યાં પહોંચતા આરોપી રાજેન્દ્રસિંહ નવુભા ચુડાસમાએ પોતાના ખેતરમાં સેઢા પર આવેલા 11 કેવી લાઈનના બે વીજપોલ ભાંગી નાખ્યા હોય અને આ બાબતે સંજયભાઈ ડાભીએ પૂછતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને આખી લાઈન બંધ કરવાનું જણાવતા ફરિયાદી સંજયભાઈએ લાઈન જોયા પછી પડી ગયેલા પોલવાળું કનેક્શન કાપીને બાકીનો તંદુરસ્ત ફીડર ચાલુ કરવું જરૂરી હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા આરોપીએ અચાનક નજીક પડેલો પથ્થર ઉપાડી અને સંજયભાઈ માથા ઉપર ફેંક્યો હતો. જેના કારણે લોહી લુહાણ હાલતમાં તેમને બે ટાંકા આવ્યા હતા.

- Advertisement -

આમ, પીજીવીસીએલના રૂ. 20,000 ની કિંમતના બે નંગ પોલને ભાંગી નાખી અને નુકસાની કર્યાની તેમજ ડિવિઝનના આસિસ્ટન્ટ લાઈનમેન એવા સંજયભાઈ ઉપર હુમલો કરવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે સંજયભાઈ ડાભી (ઉ.વ. 38, રહે. હર્ષદપુર)ની ફરિયાદ પરથી રાજેન્દ્રસિંહ નવુભા ચુડાસમા સામે આઈ.પી.સી. કલમ 324, 332, 337 તથા 427 મુજબ ગુનો નોંધી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular