જામનગર શહેરમાં આવેલી આયુર્વેદિક ગુલાબકુંવરબા સોસાયટીમાં રહેતા અને સિકયોરીટી તરીકે ફરજ બજાવતા ભીમજીભાઈ રણમલભાઈ ચાવડા નામના પ્રૌઢ ગત તા. 25 થી તા.26 સુધી તેના ઘરે તાળા મારી તેના પુત્ર સંજયના ઘરે રોકાવા ગયા હતાં અને ત્યારબાદ બીજે દિવસે સવારે ઘરે પરત ફરતા મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતાં અને તપાસ કરતા મકાનના રૂમમાં રાખેલા લોખંડના કબાટમાંથી રૂા.10000 ની રોકડ રકમ અને રૂા.1000 ની કિંમતનું 25 ગ્રામ ચાંદીનું બીસ્કીટ મળી કુલ રૂા.11000 ની માલમતા ચોરી કરી ગયાની જાણ કરાતા પીએસઆઈ આર.બી. અંસારી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, પો.કો. મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમને મળેલી બાતમીના આધારે પીઆઇ પી પી ઝા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જૂના રેલવે સ્ટેશન પાસે જૂના બાંધકામવાળા મકાનની બાજુમાંથી પુરીબેન કાના વાજલીયા (રહે. સાતરસ્તા પ્રદર્શન મેદાન) નામની મહિલાને આંતરીને તલાસી લેતા તેની પાસે રહેલી પ્લાસ્ટીક થેલીમાંથી ચાંદીની લગડી અને સાત હજારની રોકડ રકમ તથા ખીમજીભાઈ ચાવડાના આધાર કાર્ડની નકલ અને સુરજ ખીમજીભાઈ ચાવડાની ચેકબુક મળી આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી આઠ હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.