જામનગરના મોટી ખાવડીમાં રહેતાં યુવક સહિતના બે વ્યક્તિઓ બાઈક પર જતાં હતાં તે દરમિયાન પેટ્રોલપંપ નજીક પાછળથી પૂરપાટ આવી રહેલા વાહને ઠોકર મારતા બાઈકમાં પાછળ બેસેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, સાબરકાંઠાના વતની અને જામનગરના મોટી ખાવડી ગામમાં રહેતાં અશોક સુકાજી ગામેતી (ઉ.વ.23) નામનો ઈલેકટ્રીશીયન યુવક અને હિતેશ દેવાભાઈ પટેલ (ઉ.વ.30) નામના બંને યુવાનો અશોકના જીજે-09-સીએસ-7223 નંબરના બાઈક પર ખંભાળિયાથી જામનગર ધોરીમાર્ગ પર શનિવારની રાત્રિના સમયે જતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલા બોલેરો પીકઅપ વાહનના ચાલકે બાઈકને પાછળથી જોરદાર ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હિતેશભાઈ પટેલ (ઉ.વ.30) નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ બી. બી.કોડીયાતર તથા સ્ટાફે બોલેરો પીકઅપ વાહન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.