જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં ટેન્કરચાલકને તારાપુર જવાનું હોય જે બાબતે પત્નીને ગમતી ન હોવાથી બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં રહેતો અને ટેન્કર ચલાવતો મેહુલભાઈ લાલવાણી નામના યુવાનને અવાર-નવાર લાંબી ટ્રીપમાં બહારગામ જવાનું થતું હતું અને ઘણીવખત તો 4-5 દિવસ ઘરેથી બહાર રહેતો હતો જેના કારણે તેની પત્ની રેખાબેનને ટેન્કર ચલાવવાનું પસંદ ન હતું. દરમિયાન મેહુલને તારાપુર ટેન્કર ખાલી કરવા જવાનું હતું પરંતુ પત્ની રેખાબેનએ ટેન્કર ખાલી કરવા જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવાથી મનમાં લાગી આવતા સોમવારે સાંજના સમયે તેણીના ઘરે રેખાબેન મેહુલ લાલવાણી (ઉ.વ.24) નામની યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ મેહુલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી. બી. કોડિયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.