લાલપુર તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની તરૂણી પુત્રીના તેણીના પિતાએ વાડી કામ બાબતે ઠપકો આપ્યાનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના સરવા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા જાગરીયાભાઈ ઉર્ફે જગુ બામણિયા નામના આદિવાસી યુવાનની પુત્રી લલિતાબેન (ઉ.વ.15) નામની તરૂણીને તેણીના પિતાએ વાડી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે ઠપકાનું મનમાં લાગી આવતા ગત તા.14 ના રોજ સવારના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તરૂણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન સોમવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા વરલીબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી સી ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.