ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા પૂજનીય માતાજીઓ અને ચારણ ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ચારણ-ગઢવી સમાજ દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે એક રેલી યોજી, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદન પાઠવીને કડક કાર્યવાહી માટેની માંગ કરી હતી.
ગત તા. 14 ના રોજ તળાજા ખાતે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચારણ-ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચારણ ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. ચારણ ગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામ પોલીસ ફરિયાદ અને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સોહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના કથિત હેતુથી થયેલ આ ભાષણમાં સોશિયલ મીડિયામાં પણ આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું હતું.
આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારણ ગઢવી સમાજ દ્વારા અહીંના સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને લેખિત પત્ર પાઠવી, કડક કાર્યવાહી માટેની માંગ કરી હતી. આ રેલીમાં વિશાળ સંખ્યામાં ચારણ સમુદાયના લોકોએ જોડાઇને રોષ વ્યકત કર્યો હતો.
કેશોદ (જૂનાગઢ)ના મઢડા સોનલ ધામથી પૂજ્ય ગિરીશ આપા ગઈકાલે સાંજે ખંભાળિયામાં સોનલ ધામ ખાતે ચારણ ગઢવી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી આ સંદર્ભે જણાવ્યું હતું કે ગીગા ભમ્મર દ્વારા ચારણો વિશે ખૂબ જ અપમાનજનક ભાષણ કરી માતાજીઓની વાત કરીને સહન ન થાય તેવું ઘસાતું બોલવામાં આવ્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ નિયમને આધીન થઈ કડક કરવા માટે જણાવ્યું હતું.