જામનગર તાલુકાના મસીતિયા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ માનસિક બીમારીથી કંટાળી જઇ દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામના વાડી વિસ્તારમાં શાળા નં.2 પાસે રહેતાં અલ્લારખાભાઈ આમદભાઈ ખફી નામના પ્રૌઢની પુત્રી અફસાનાબેન ખફી (ઉ.વ.19) નામની યુવતીને છેલ્લાં એક વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર પણ ચાલુ હતી તેમ છતાં બીમારીથી કંટાળી જઇ ગત તા.05 ના રોજ બપોરના સમયે વાડી વિસ્તારમાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તબિયત લથડવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન શુક્રવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.