જામનગર-ધ્રોલ ગામમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના કમિશનનો વ્યવસાય કરતાં પટેલ પ્રૌઢ સાથે જાહેરમાં અપશબ્દ બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી શખ્સે આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોટાઇંટાળા ગામમાં રહેતાં અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં કમિશનનું કામ કરતાં કેશુભાઇ ડાયાભાઇ મુંગરા (ઉ.વ.58) નામના પટેલ પ્રૌઢ શનિવારે સવારના સમયે ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં હતાં તે દરમિયાન હાડાટોડા ગામના વિજયસિંહ બાબભા જાડેજા નામના શખ્સે આવીને પ્રૌઢ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તમે કપાસ હરીપરથી કેમ ભરી હતી? તે કપાસ મારા વેપારી રાજુભાઇએ રાખી હતી. તેમ કહી ઝપાઝપી કરી અને બીજીવાર આવુ થશે તો પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રૌઢ કેશુભાઇના નિવેદનના આધારે હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.