જામનગરની 23 વર્ષિય જૈન મુમુક્ષુ દિક્ષા ગ્રહણ કરનર હોય, ગઇકાલે રવિવારે જામનગરમાં તેનો વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જામનગરના જયેશભાઇ અને સુનિતાબેન મકીમની પુત્ર બંસી તા. 26 એપ્રિલના મુંબઇમાં પાર્લા ખાતે દિક્ષા ગ્રહણ કરીને સંસાર ત્યાગ કરશે. જેના ઉપલક્ષમાં ગઇકાલે જામનગરમાં તેનો વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. આચાર્ય અજીતયશસુરિશ્ર્વર મહારાજ, પ્રવચનકાર આચાર્ય સંસ્કારયશસુરિશ્ર્વર મહારાજ, સાધ્વીજીઓ વિશુધ્ધમાલાશ્રીજી, સૂયશમાલાશ્રીજી, વિમલયાશાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જે ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરથી પ્રારંભ થઇ સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, બેડીગેઇટ, રણજીત રોડ સહિતના રાજમાર્ગો પર થઇ પુન: ચાંદીબજાર ખાતેના શેઠજી દેરાસરે પૂર્ણ થયો હતો. આ સાથે અષ્ટોતરી અભિષેક પૂજા, સાધર્મિક ભક્તિ સહિતના ધાર્મિક કાર્યક્રમો બાદ જ્યો વિનોદ ઉપાશ્રય ખાતે મુમુક્ષુ બંસીકુમારીનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.