સગીરાને આંખ મારવા અને ફલાઈંગ કિસ કરવા પ્રકરણે એક કોર્ટે 20 વર્ષના યુવાનને એક વર્ષની સજા સંભળાવી છે. પોક્સો કાયદા હેઠળની વિશેષ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આરોપીને એક વર્ષની સજા અને15 હજારનો દંડ ફટકારાયો છે.
આરોપીને સજા સંભળાવતાં આંખ મારવી અને ફલાઈંગ કિસ કરવી એ જાતીય સતામણી હોવાનો મત કોર્ટે નોંધાવ્યો છે. 29 ફેબ્રુઆરી 2020ના રોજ 14 વર્ષીય પીડિત બાળકી બહેન સાથે ઘરની બહાર જતી હતી ત્યારે તેને આંખ મારીને ફલાઈંગ કિસ કર્યું હતું. આરોપીના કૃત્યને લઈ તેને માનસિક ત્રાસ ભોગવવો પડયો હતો.
આ ઘટના બાદ પીડિત બાળકીના પરિવારે એલટી માર્ગ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ પીડિતા સાથે આવો જ વર્તાવ કરતો હતો. તેણે માતાને ઘણીવાર ફરિયાદ કરી હતી. યુવાનને પીડિતાના ઘરના લોકોએ સમજાવ્યો પણ હતો પરંત તેના વર્તાવમાં ફરક પડયો નહોતો.
આરોપીએ પીડિતાની બહેન સાથે રૂ.500ની શરત લગાવી હોવાથી આ કૃત્ય કર્યાનું જણાવ્યું હતું. શરત લગાવ્યાનો કોઈ પુરાવો મળ્યો નહોતો. આથી કોર્ટે પીડિતાની તરફેણમાં નિર્ણય આપીને સજા સંભળાવી હતી. દંડની રૂ.15 હજારની રકમમાંથી રૂ.10 હજારની રકમ પીડિતાને આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે.