ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે આ યાદી જાણીને લોકોને નવાઇ લાગી છે. કેમ કે સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી નહીં પણ બિહારના કટિહારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. 7મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતના 163 શહેરોમાં બિહારના કટિહારની એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ એટલે કે 360 રહી હતી, જે દિલ્હી કરતા પણ વધુ માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત બિહારના બેગુસરાય, હરિયાણાના વલ્લભગઢ, ફરીદાબાદ, ગુરૂગ્રામ તેમજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરને પણ સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદી મુજબ કટિહાર બાદ દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત ભારતીય શહેરોમાં સ્થાન ધરાવે છે. દિલ્હીનો એક્યૂઆઇ 354 રહ્યો. આ ડેટાની સાથે એ પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આ સૌથી પ્રદૂષિત શહેરોમાં મોટા પાયે યોગ્ય દિશામાં કામગીરી કરવાની જરૂર છે કે જેથી પ્રદૂષણ ઘટાડી શકાય. જે યાદી જાહેર કરી છે તે વર્તમાન એર ક્વોલિટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જોકે થોડા દિવસ પહેલા જ દિલ્હીની એરક્વોલિટી એટલી ખરાબ હતી કે તે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું હતું.