કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા એક યુવાને જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂ. અઢી લાખની રકમના બે વર્ષના સમયગાળામાં પાંચ શખ્સોએ રૂ. 26.78 લાખની તોતિંગ રકમ મેળવ્યા પછી પણ વધુ રૂપિયા 27.30 લાખની માંગણી કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા અને ખેતીકામ તથા જે.સી.બી. મશીન ચલાવવાનું કામ કરતા દેવજીભાઈ બાબુભાઈ કછેટીયા નામના યુવાને વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન એક કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટનું કામ મેળવેલા ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા વિજયસિંહ સતાજી જાડેજાને કોન્ટ્રાક્ટ મળતા ફરિયાદી દેવજીભાઈ કછેટીયાએ જેસીબી મશીન લઈને ભાડેથી ચલાવવા માટે આપ્યું હતું. પરંતુ કોઈ કારણોસર વિજયસિંહ સતાજી જાડેજાએ દેવજીભાઈને પૈસા ન આપતા જેસીબી મશીનનો દર મહિને આવતો આશરે રૂપિયા 30,000 જેટલો લોનનો હપ્તો ચૂકવવા માટે વિજયસિંહએ આ જ ગામના અન્ય એક શખ્સ રણજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરાવ્યો હતો. જેની પાસેથી દેવજીભાઈ એ રૂપિયા 60,000 ની રકમ માસિક 30 ટકાના વ્યાજ દરથી લીધી હતી. સમયસર વ્યાજ ન ચૂકવતા એક દિવસના 10,000 ની પેનલ્ટી ભરવા પણ રણજીતસિંહએ જણાવ્યું હતું.
આ પછી અન્ય એક શખ્સ એવા ભાતેલ ગામના વિક્રમસિંહ જાડેજા પાસેથી પણ માસિક 30 ટકા લેખે 60,000 ની રકમ અને જો એક દિવસ વ્યાજ મોડું થાય તો 7,000 ની પેનલ્ટીની શરતે લીધા હતા. આ પછી અન્ય એક શખ્સ એવા ભાતેલ ગામના કુલદીપસિંહ કેશુભા જાડેજા પાસેથી 30 ટકા લેખે 60,000 અને ત્યાર બાદ જામ ગઢકા ગામના જમન માધા નકુમ પાસેથી 30 ટકાના વ્યાજે રૂ. 70,000 લઈ અને આરોપીઓએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી.
આમ, ફરિયાદી દેવજીભાઈએ રણજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી લીધેલા રૂ. 60,000 ના રૂ. 6,20,000, વિક્રમસિંહ જાડેજા પાસેથી લીધેલા 60,000 ના રૂ. 9,50,000 કુલદીપસિંહ કેશુભા જાડેજા પાસેથી લીધેલા રૂપિયા 60,000 ના 1,80,000 તથા જમન માધા નકુમ પાસેથી લીધેલા રૂપિયા 70,000 ના રૂપિયા 3 લાખ એમ કુલ રૂપિયા અઢી લાખની સામે રૂ. 20.50 લાખનું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. આટલું જ નહીં, મશીન ભાડાના પણ રૂપિયા 6.28 લાખની રકમ તેઓએ પોતાની પાસે રાખી લીધી હતી.
વ્યાજ ચૂકવવા માટે તેમણે તેમની ત્રણ વીઘા ખેતીની જમીન પણ વેચવાની ફરજ પડી હતી. આ ઉપરાંત હંજડાપર ગામે ભાગીદારીની હોટલનો ભાગ પણ ફરિયાદી દેવજીભાઈને છૂટો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, હજુ પણ વ્યાજ-મુદલના આરોપી રણજીતસિંહએ રૂ. 4.50 લાખ વિક્રમસિંહે રૂ. 13 લાખ, કુલદીપસિંહે રૂ. 5.30 લાખ અને જમનભાઈએ રૂ. 4.50 લાખ બાકી હોવાનું કહી રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી.
આશરે બે વર્ષના સમયગાળામાં રૂપિયા અઢી લાખ સામે રૂપિયા 26.78 લાખની રોકડ રકમ મેળવી લીધા પછી પણ મુદ્દલ રકમ અને વ્યાજ તથા પેનલ્ટીના રૂપિયા 27.30 લાખની રકમની ગેરકાયદેસર રીતે પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા બળજબરીપૂર્વક મોટરાઇઝ્ડ લખાણ અને ચેકોમાં સહી કરાવી લેવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં તમામ પાંચ શખ્સો સામે બી.એન.એસ. તથા નાણાં ધીરધાર અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.


