કલ્યાણપુર પંથકમાંથી થોડા સમય પૂર્વે બોક્સાઈટ ખનીજ ભરેલા ત્રણ ટ્રકો ઝડપાયા બાદ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને સાથે રાખીને કરવામાં આવેલી કાર્યવાહીના અંતે આ પ્રકરણમાં અનધિકૃત રીતે અન્ય સ્થળની રોયલ્ટી પરથી બોકસાઈટની હેરાફેરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે પોલીસે જે-તે સમયે લીઝ હોલ્ડર, ટ્રક ચાલક, સંચાલક સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણ સંદર્ભે તપાસનીસ અધિકારી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ખનીજ ખનન ચોરી કરી અને વહન કરાવનાર વીરપર ગામના જગા પીઠા કાંબરીયા અને ભાવેશ પીઠા કાંબરીયા ઉપરાંત પોરબંદરના રોયલ્ટી આપનાર નિશાંત નિર્મળકુમાર થાનકી નામના કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ, ખંભાળિયાની અદાલતમાં રજૂ કરી અને ચાર દિવસના રિમાન્ડ પર લીધા હતા.
રિમાન્ડ દરમિયાન એલસીબી પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને બોકસાઈટના સેમ્પલ મેળવી અને એફએસએલ સહિતની કાર્યવાહી કરી, જરૂરી માહિતી મેળવી હતી. આ શખ્સોના રિમાન્ડ ગઈકાલે સોમવારે પૂર્ણ થતા તેઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી નામદાર અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.