યુવાનને છરી મારવાના કેસમાં કાલાવડના નામચીન ગુનેગારને આઇપીસી કલમ 307 હેઠળ સેશન કોર્ટ દ્વારા આજીવન કેદ તથા રૂા. 2000નો દંડની સજા ફટકારવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ ફરિયાદી અમિતભાઇ દામજીભાઇ અકબરીએ જેઓ કાલાવડ તાલુકાના નવા ગામ મુકામે રહે છે. તેઓના કૌટુંબિક કાકા ભવાનભાઇનું જીરુ આરોપી જનકસિંહ ઉર્ફે જખરોએ સળગાવી નાખેલ હોય, ફરિયાદી તેના કાકા સાથે પોલીસમાં ફરિયાદ કરવા ગયા હોય તે વાતનો ખાર રાખી જનકસિંહ ઉર્ફે જખરાએ તા. 7-7-2017ના રોજ પોતાના ઘરે છત પર સુતા હતા ત્યારે તેઓના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી અમિતભાઇને મારી નાખવાના ઇરાદે છરીનો ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડેલ હોવાની ફરિયાદ અમિતભાઇએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં લખાવેલ હતી.
આ કેસમાં સરકાર તરફે એડી. પબ્લિક પ્રોસિક્યુટર ધર્મેન્દ્ર એ. જીવરાજાની હાજર થયેલ હતાં અને તેઓએ આ કામે 27 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ તથા 27 જેટલા સાહેદોને તપાસેલ હતા અને દલીલ કરેલ હતી કે, આરોપી કાલાલવડ વિસ્તારનો રીઢો ગુનેગાર હોય અને આ અગાઉ પણ કલમ 307ના ગુના અન્વયે સજા કરવામાં આવી હોય, જો આ વ્યક્તિને છોડી મૂકવામાં આવશે તો ફરી આવા ગુના આચરશે અને લોકોનું જીવવુ મુશ્કેલ થઇ જશે વિગેરે કરેલી દલીલો માન્ય રાખી એડી. સેશન્સ જજ એ.એસ. વ્યાસે આરોપી જનકસિંહ ઉર્ફે જખરાને આઇપીસી કલમ 307 અન્વયે આજીવન કેદની સજા તથા રૂા. 2000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 7 દિવસ સજા, કલમ 449 અન્વયે 7 વર્ષની સજા અને રૂા. 5000 દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા તથા જીપી એકટ કલમ અન્વયે 6 માસની કેદની સજા અને રૂા. 1000 દંડ તથા દંડ ન ભરે તો વધુ 7 ધ્વિસની સજા ફરમાવતો હુકમ જાહેર કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એડી. પબ્લિક પ્રોસિયુકટર ધર્મેન્દ્ર એ. જીવરાજાની હતાં.