Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે જયેષ્ઠાભિષેક મહોત્સવ

દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે જયેષ્ઠાભિષેક મહોત્સવ

શ્રીજીને આમરસ અને અઘોરકુંડના પવિત્ર જલથી ખુલ્લાં પડદે અભિષેક કરાશે

- Advertisement -

દ્વારકાના જગતમંદિરમાં શુક્રવાર તારીખ 21 ના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ સવારે 8 વાગ્યાથી જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

- Advertisement -

જગતમંદિરના પુજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જલ જગત મંદિરે વાજતે ગાજતે પહોંચ્યું –

જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે આજે સાંજે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુકત બનાવી રાત્રિ અધિવાસન કરી આવતીકાલે શુક્રવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular