ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. 561 ઘરમાં તિરાડો પડી છે, જેને કારણે લોકો ભયભીતમાં છે. 50,000ની વસતિ ધરાવતા શહેરમાં દિવસ તો પસાર થઈ જાય છે, પરંતુ રાત વિતાવવી મુશ્કેલ બની ગઈ છે. ભૂગર્ભ જળ સતત લીકેજ થઈ રહ્યું છે. પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા છે. તેમને ડર છે કે ગમે ત્યારે મકાન તૂટી પડી શકે છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી જોશીમઠની મુલાકાત લેશે અને અહીંની સ્થિતિનો તાગ મેળવશે. સૌથી વધુ અસર રવિગ્રામ, ગાંધીનગર અને જોશીમઠના સુનીલ વોર્ડમાં છે. આ શહેર 4,677 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. નવાઈની વાત એ છે કે છેલ્લાં 13 વર્ષથી આવું થઈ રહ્યું છે. આ પહેલાં સીએમ ધામીએ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં જોખમી વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવાનો અને અસરગ્રસ્ત પરિવારો માટે સલામત સ્થળે એક વિશાળ પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જોખમી મકાનોમાં રહેતા 600 પરિવારને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. જે લોકોનાં ઘર વસવાટલાયક નથી અથવા ક્ષતિગ્રસ્ત છે તે પરિવારોને ભાડાના મકાનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે, એના માટે તેમને દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. આ રકમ 6 મહિના માટે સીએમ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.
જોશીમઠનાં 561 ઘરમાં તિરાડો પડી છે. સિંગધાર વોર્ડમાં શુક્રવારે સાંજે એક મંદિર ધરાશાયી થયું હતું. શુક્રવારે મોડી રાત સુધી 50 પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે NTPC તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હેલાંગ બાયપાસનું કામ આગામી આદેશ સુધી અટકાવી દીધું છે. વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિત નિષ્ણાતોની એક ટીમે જોશીમઠમાં અસરગ્રસ્ત વિસ્તારોનું ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે.


