જામનગર શહેરમાં ખેતીવાડી સામે બેરામુંગાની શાળા નજીકના વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી કબાટમાંથી 90 હજારની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1.60 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલી બેરામુંગાની શાળા પાસે શેરી નં.1 માં રહેતાં વેપારી યુવાન ગૌતમભાઈ ઉર્ફે વિપુલભાઈ નાનજીભાઈ વાઘેલાનું ઘર ગત તા.28 ના રોજ સવારે 11 થી બપોરના 1:15 વાગ્યા સુધી બંધ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી ત્રાટકયા હતાં અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં કબાટનો દરવાજો તોડી તેમાંથી રૂા.45,000 ની કિંમતના 15 ગ્રામ વજનના સોનાના દાગીનાના કાનના કાપ બે નંગ, તથા રૂા.22000 ની કિંમતની 10 ગ્રામ વજનની સોનાની વીંટી નંગ 2 અને રૂા.3000 ની કિંમતના ચાંદીના સાંકળા તથા રૂા.90,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,60,000ની માલમતા ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.