જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલનું નામ જામનગર સહિત ગુજરાતભરમાં કુખ્યાત છે. આ શખ્સ હાલમાં લંડન ખાતે છે. તેના પર હત્યા સહિતના 50થી વધુ ગુનાઓ નોંધાયેલાં છે. ભારત સરકાર ઇચ્છે છે કે, બ્રિટન સરકાર જયેશની સોંપણી ભારતને કરે. ગુજરાત સરકાર પણ જયેશનો કબ્જો મેળવવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. પરંતુ ગુજરાત પોલીસે જયેશને ગુજરાત-જામનગર લાવવા માટે વધુ એક વર્ષનો અથવા કદાચ તેથી વધુ સમય સુધી ઇંતજાર કરવો પડશે. કારણ કે, આ ગેંગસ્ટરની સોંપણી ભારતને કરવા માટેની સમગ્ર પ્રક્રિયા લંડનની અદાલતમાં મે-2022માં શરૂ થશે. આ પ્રકારના સમાચાર લંડનથી પ્રકાશિત અને પ્રસારિત થયા છે.
41 વર્ષનો આ ગેંગસ્ટર હાલ લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે. રસપ્રદ મુદ્દો એ છે કે, તેણે જામીન મેળવવા માટે અરજી પણ કરી નથી. આ જેલ લંડનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આવેલી છે. આગામી 14મી જૂલાઇએ તે લંડનની અદાલત સમક્ષ વિડિયો લીંક મારફત હાજર થશે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ નામની એજન્સીએ આ જાહેરાત કરી છે.
હાલમાં એવું જાહેર થયું છે કે, 26 મે 2022ના દિવસે જયેશ પટેલનો કબ્જો ભારત સરકારને સોંપવા માટેની પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થશે અને આ પ્રક્રિયા ત્રણ સપ્તાહ સુધી ચાલશે. આ એજન્સીએ એમ પણ કહ્યું છે કે, જયેશ પટેલ પોલીસ કસ્ટડીમાં રહેવા ઇચ્છે છે, તેણે અદાલત સમક્ષ જામીન અરજી મૂકી નથી. આગામી 14મી જૂલાઇએ એક સુનાવણી પછી આગળનું કેસ મેનેજમેન્ટ હિયરિંગ 2022ની 25મી જાન્યુઆરીએ યોજાશે અને ત્યારે વધુ દિશા નિર્દેશ આપવામાં આવશે.
લંડનની મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા પ્રમાણે, જયેશની ધરપકડ ગત્ 16મી માર્ચે દક્ષિણ લંડનના સુટોન વિસ્તારમાંથી કરવામાં આવી હતી.ભારત સરકારના ઇન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટના આધારે લંડન પોલીસે આ ધરપકડ કરી હતી. ત્યારબાદ જયેશના પ્રત્યાર્પણ અંગે ભારત સરકારે બ્રિટનના સતાવાળાઓને વિનંતી મોકલી હતી.એપ્રિલ 2018ના હત્યાના કાવતરાના સંદર્ભમાં ભારત સરકારે આ રિકવેસ્ટ બ્રિટન સરકારને સોંપી હતી.
ત્યારબાદ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટીસ ઇસ્યુ થઇ હતી. લંડનની અદાલતમાં ભારતીય સતાવાળાઓ વતી ત્યાંના સરકારી વકિલે એમ જણાવ્યું હતું કે, ભારતમાં કિરીટ જોષી મર્ડર કેસમાં જયેશ પટેલ દ્વારા રૂા.3 કરોડની સોપારી આપવામાં આવી હતી.
એક વર્ષ સુધી જયેશ પટેલ પ્રકરણ ભૂલી જવું પડશે !
જામનગરના ગેંગસ્ટર જયેશનો કબ્જો ભારતને સોંપવા માટેની અદાલતી કાર્યવાહી મે-2022માં થશે