જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં ગઇકાલે જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શનિવારે સાકરના પાણીનું એકાસણું બપોરે 12 વાગ્યે કરાવવામાં આવ્યું હતું. રવિવારના રોજ ખીરનું એકાસણું કરી ઠામ ચૌવિહાર બપોરે 12 વાગ્યે આરાધના ભવન આયંબિલ ભુવનમાં કરાવવામાં આવ્યું હતું. આજે ભર્યેભાણે એકાસણું બપોરે 12 વાગ્યે કરાવાયું હતું. રવિવારે ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે રાત્રે ભગવાનને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી તથા ભગવાનને પારણાની આંગીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભણવાનના જન્મ થયાનું પારણુ ઝુલાવી લોકોએ ધન્યતા અનુભવી હતી. ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે ત્રણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભગવાનના દિક્ષા કલ્યાણકની ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે બહેનોએ પૂજા ભણાવી હતી. રવિવારે બપોરે 3:30 વાગ્યે વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટીએ પાર્શ્વનાથ જન્મ કલ્યાણક પૂજા ભણાવી હતી તથા ત્રણ દિવસ દરમિયાન રાત્રે 8:30 થી 10:30 સુધી ભાવના (ભક્તિ) ભણાવવામાં આવી હતી. જેમાં જૈન-જૈનેતરોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ભગવાનની ભક્તિમાં તળબતોળ થઇ ગયા હતાં.